‘મિશન મંગલ’ ફિલ્મ બનવાની ઘટના પણ એક મિશનની જેમ જ લાગે છે. આ ફિલ્મ અંગેની રસપ્રદ માહિતી સામે આવી છે. ઈસરોએ પોતાના ત્યાં ફિલ્મનું શૂટિંગ કરવાની પરવાનગી આપી નહોતી. તેથી ફિલ્મસિટીમાં જ ઈસરોનું ઈન્ટીરિયર, સેટેલાઈટ તથા રોકેટ જેવી વસ્તુઓથી ઈસરો જેવો સેટ બનાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, આની પાછળ અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ સેટને વેટરન સંદિપ શરદ રવાડેએ તૈયાર કર્યો હતો. સેટ ડિઝાઈનર સંદિપે કહ્યું હતું કે સલામતીના કારણોસર ઈસરોમાં શૂટિંગ કરવાની પરમિશન મળી નહોતી. આથી ફિલ્મસિટીના અલગ-અલગ સ્ટૂડિયોમાં ઈસરોની અલગ અલગ ઓફિસનો સેટ બનાવવામાં આવ્યો હતો.
જેમાં મિનિએચર મોડલ્સ, પોલર સેટેલાઈટ, લોન્ચ વ્હીકલ, પેલોડ, મેઈન વર્ક સ્ટેશન અને કંટ્રોલ રૂમ રીક્રીએટ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, મિશન મંગલ દેશના પહેલા મંગલયાનના લૉન્ચની કહાની છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વૈજ્ઞાનિકોએ તમામ અંગત મુશ્કેલીઓની સામે લડતા લડતા મંગલયાન જેવા મહત્વાકાંક્ષી મિશનને પૂર્ણ કર્યું. આ ફિલ્મમાં અક્ષય મિશનના હેડ સાઈંટિસ્ટના રોલમાં નજર આવશે.