18મીએ એરપોર્ટથી રોડ શો યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. જેના માટે તંત્રે તડામાર તૈયારી શરૂ કરી છે. ત્યારે હવામાન વિભાગના નિષ્ણાતો મુજબ ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા હોવાથી સભા માટે 100 કિમીના વાવાઝોડામાં પણ ટકી શકે તેવા 7 જર્મન ડોમ તૈયાર કરવામાં આવશે. જે વોટર અને વિંડ પ્રુફ હશે. સભા સમયે ધોધમાર વરસાદ પડે તો પાણીના નિકાલ માટે ટેમ્પરરી કાંસ તૈયાર કરાઇ રહી છે.આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને સંબોધશે. જેના માટે 210798 સ્કવેર ફૂટ જગ્યામાં સભા માટે આર એન્ડ બી વિભાગ દ્વારા સ્ટેજ અને 7 ડોમ ઉભા કરાશે.
એક ડોમમાં 80 હજાર લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થા કરાશે.બુધવારે મુખ્ય સચિવ પંકજ કુમાર, મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ અને પોલીસ કમિશનર ડો. શમશેરસિંહ સહિત અધિકારીઓના સ્ટાફે સભા સ્થળ અને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ટ્રાફિક સહિતની બાબતો અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લેપ્રસી મેદાન ખાતેના કાર્યક્રમમાં વડોદરા જિલ્લામાંથી કુલ 50 હજાર વ્યક્તિઓને લાવવામાં આવશે. હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, 18 જૂનના રોજ વડોદરા શહેરમાં થંડર સ્ટ્રોમ ના કારણે વડોદરામાં હગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવનાઓ રહેલી છે. જે તંત્ર માટે કસોટીરૂપ બની રહેશે.