ગુજરાતની 6 મહાનગરપાલિકાના 144 વોર્ડમાં ફેલાયેલી 575 બેઠક માટેનું ચૂંટણી ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી પછી ખેંચવાનો ગત રોજ છેલ્લો દિવસ હતો હવે 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકા માટે મતદાન યોજાશે. ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી લડવા 2299 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 771, વડોદરામાં 287, સુરતમાં 484, જામનગરમાં 236, રાજકોટમાં 310 અને ભાવનગરમાં 211 ઉમેદવારો મેદાનમાં છે.
અમદાવાદમાં 48 વોર્ડની 192 બેઠકો માટે કુલ 771 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 191 ઉમેદવારો અને કોંગ્રેસના 188 ઉમેદવાર મેદાનમાં છે. તો બહુજન સમાજ પાર્ટીના 54 અને આમ આદમી પાર્ટીના 155 ઉમેદવારો મેદાનમાં છે.
તેમજ અપક્ષમાં 86 અને અન્ય પક્ષોના 56 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે હવે ગુજરાતમાં મનપાની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાં જોર લગાવ્યું છે. 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ પક્ષો જીત માટે પ્રયાસ કરી રહ્યા છે.