ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 520 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 520 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 25148 થઈ ગઈ છે. બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 348 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 27 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1561 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 17438 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 330 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 65, વડોદરામાં 44 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગરમાં 16,ભરુચમાં 7, જુનાગઢમાં 5, ભાવનગરમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટ-આણંદ-પાટણ-ખેડામાં 4-4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બનાસકાંઠા-અરવલ્લી-સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકા-અમરેલીમાં 2-2 કેસ નોંધાયા છે. તો મોરબી-નર્મદા-દાહોદ-નવસારી-બોટાદ-સાબરકાંઠા અને મહિસાગરમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલ રાજ્યમાંકુલ 6149 એક્ટિવ કેસ છે. જેમાં 69 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 6080 સ્ટેબલ છે.