આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો ઉપર બીજા તબક્કામાં તા.૫ ડીસેમ્બર-૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા મતદાર વિભાગોમાં સમાવિષ્ટ ૧૮૧૦ મતદાન મથકો પૈકી ૪૯ મતદાન મથકો સંપૂર્ણ મહિલા સંચાલિત સખી મતદાન મથક તરીકે ઉભા કરવામાં આવનાર છે.
ચૂંટણીપંચની માર્ગદર્શિકા અન્વયે વધુમાં વધુ મહિલાઓ મતદાન કરી શકે તે માટે જિલ્લાના સાત વિધાનસભા મતદાર વિભાગોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સાત સખી મતદાન મથકો એટલે કે કુલ-૪૯ સખી મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે. આ મતદાન મથકો ઉપર સંપૂર્ણ મતદાર સ્ટાફ તરીકે મહિલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. જેમાં પ્રત્યેક મતદાન મથક દીઠ એક મહિલા પ્રિસાઈડીંગ ઓફીસર, એક મહિલા આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફીસર, બે મહિલા પોલીંગ ઓફીસર તથા એક મહિલા પટ્ટાવાળા તરીકે ફરજ બજાવશે. આ ઉપરાંત સુરક્ષાકર્મી તરીકે પણ પોલીસ-હોમગાર્ડના મહિલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાના ૭ મતદાર વિભાગો પૈકી ૪ મતદાર વિભાગોમાં ચૂંટણી અધિકારી તરીકે પણ મહિલા અધિકારીઓ ફરજ બજાવી રહ્યાં છે.