વાગડના ભચાઉ વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાં એક જ દિવસમાં ત્રણ યુવાન ડૂબી ગયા હતા જેમાં ભચાઉ એસઆરપી કેમ્પ પાસેની કેનાલમાં માતાની નજર સામે જ મુસ્લીમ યુવક ડૂબ્યો હતો તેને બચાવવા અંદર પડેલો ક્ષત્રિય યુવક પણ ગરકાવ થયો હતો તેમાં મુસ્લીમ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો પણ બચાવવા કૂદનાર ક્ષત્રિય યુવકની શોધખોળ જારી છે. જ્યારે લુણવા પાસે મોગલધામ દર્શનાર્થે જઇ રહેલા ગાંધીધામના પરપ્રાંતિય યુવકનો પગ સેલ્ફી લેવાની લાયમાં લપસતાં તે પાણીમાં ગરકાવ થયો હતો જેની શોધખોળ જારી છે.ભચાઉના માનસરોવર નગરમાં રહેતા અક્રમ યુસુફભાઈ અબડા તેમની માતા સાથે ધાર્મિક ક્રિયાઓ બાદ પાણીમાં પધરાવવા માટેની વસ્તુઓ લઈ નર્મદા કેનાલ પાસે આવ્યા હતા જેમાં પુત્ર અક્રમનો પગ લપસી જતાં તે થોડીવારમાં ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો
કેનાલની ઉપર તેના માતા આ જોઇને બૂમાબૂમ કરવા લાગ્યા હતા તે વખતે ત્યાંથી પસાર થતાં ચોપડવા ગામના યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા તેને બચાવવા જવા પાણીમાં કૂદી ગયા હતા પરંતુ પાણીનો પ્રવાહ ખૂબ પ્રમાણમાં ચાલુ હોતા થોડી વારમાં બંને લોકો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા.જેમાં બન્ને યુવાનને બચાવવા માટેના પ્રયત્નમાં ભચાઉ નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગના પ્રવીણ દાફડા અને ટીમે અક્રમ યુસુફ અબડાનો બહાર કાઢવામાં સફળ થયા હતા જેમને તાત્કાલિક શહેરની હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.પુત્ર અક્રમ અને પિતા યુસુફભાઈ પેઇન્ટર ખૂબ મોટું મિત્ર વર્તુળ ધરાવતા હોવાથી થોડીવારમાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને યુવાન અકરમ ના અવસાનના સમાચાર સાંભળીને મુસ્લિમ અને હિન્દુ સમાજમાં અરેરાટી ફેલાઈ હતી.