કોરોના કાળમાં પ્રાઈવેટ સેક્ટરમાં લોકોની પગારમાં કાપ થઈ રહ્યો છે તેવામાં હવે સરકારી કર્મચારીઓને પણ પગારકાપનો સામનો કરવો પડશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ, દંડક, ઉપદંડક અને ધારાસભ્યોના પગારમાં એક વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વૈધાનિક રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું છે કે વિશ્વૈક મહામારી કોરોના સંદર્ભે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પ્રવર્તમાન મૂળ પગારમાં એક વર્ષના સમયગાળા માટે 1-4-2020 થી 31-3-2021 સુધી 30 ટકાનો કાપ મૂકવાનો અગાઉ નિર્ણય કર્યો હતો. જે અંગે એપ્રિલમાં વટ હુકમ બહાર પાડી તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે. તેમજ આ સંદર્ભે આગામી વિધાનસભા સત્રમાં વિધેયક લાવવામાં આવશે. જાડેજાએ ઉમેર્યું હતું કે કોરોના મહામારીના સંદર્ભમાં નાણાકીય ખર્ચમાં બચત થાય તે ઉદ્દેશથી રાજ્ય સરકારે અનેક પગલા લીધા છે. ત્યારે કેટલાક ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા વ્યક્તિગત રીતે રાજ્ય સરકારને નાણાકીય મદદ કરવા માટે તત્પરતા દર્શાવાયેલી હતી.
મહત્વનું છે કે, પદાધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં ઘટાડો થતા એક વર્ષના ગાળામાં અંદાજે 6 કરોડ 27 લાખની રકમની બચત થશે. આ રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકાશે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા જે નિવૃત્ત કર્મચારીઓ-અધિકારીઓને કરાર આધારિત નિમણુક આપવામાં આવી છે તેમને મળતા પગારમાં પણ ૩૦ ટકા કાપ એક વર્ષના સમયગાળા માટે મુકવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.