એ વાત કોઈથી છૂપાયેલી નથી કે ડ્રાય સ્ટેટ ગુજરાતના અમદાવાદીઓ પોતાના હાર્ડ ડ્રિંક્સ (Hard Drink)ની મજા માણવા માટે રાજસ્થાનના ગોવા, ઉદયપુર અને માઉન્ટ આબુ જેવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે, જ્યારે તેઓ દારૂ પીને વાહનો ચલાવે છે. અમદાવાદ રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) દ્વારા પૂરી પાડવામાં આવેલા લાઇસન્સને રિજેક્ટ કરવાના આંકડાઓ જોઈએ તો 2021માં આરટીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા લાઇસન્સમાંથી 30 ટકા લાઇસન્સ ગોવા અને રાજસ્થાન જેવા ટૂરિઝમ હોટસ્પોટ્સમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરવા અથવા સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત અમદાવાદીઓના છે. એકવાર પકડાયા પછી તેમના લાઇસન્સ નંબર સંબંધિત રાજ્યોમાંથી અમદાવાદની આરટીઓમાં મોકલવામાં આવે છે.
ARTO વિનીતા યાદવે જણાવ્યું હતું કે, “કુલ સસ્પેન્ડ કરાયેલા લાઇસન્સમાંથી અમદાવાદીઓ અન્ય નિયમ ઉલ્લંઘન ઉપરાંત રાજ્યની બહાર દારૂ પીને ડ્રાઇવિંગ અને સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવામાં 20%થી 30% હિસ્સો ધરાવે છે.” પ્રાદેશિક પરિવહન અધિકારી આર. એસ. દેસાઈએ જણાવ્યું હતું કે, “અમે ગુનેગારને સાંભળ્યા બાદ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરીએ છીએ. ગુનેગારને એક તક આપવામાં આવે છે અને જો ઉલ્લંઘન યોગ્ય કે વેલિડ હોય તો અમે તેમને છોડી દઈએ છીએ.”