ગુજરાતમાં પથ્થલગડી ચળવળ ચલાવવા માટે આવેલા ઝારખંડના ખૂંટી જિલ્લાના બે સહિત ત્રણ નકસલવાદીઓને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યા છે. દુર દુર સુધી નક્સલવાદ અને તેની વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી તેવા ગુજરાત જેવા રાજ્યમાંથી 3 નક્સલીઓ મળી આવતા ભારે ચર્ચા જાગી છે. આ ત્રણમાં એક મહિલા નક્સલવાદીનો પણ સમાવેશ થાય છે.
(File Pic)
પકડાયેલા નકસલવાદીઓ સતીપતી સંપ્રદાયના લોકોમાં હિંસક ઉશ્કેરણી કરી રહ્યા હતા. ATSની ટીમે તેમના ઘરમાં તપાસ કરતા નકસલી પ્રવૃત્તિની સામગ્રી તથા મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા હતા. તાપી જીલ્લાના વ્યારાના કટાસવણ ગામથી પકડાયેલા નકસલવાદી બિરસા અને સામુ રાજ્યમાં પથ્થલગડી વિચારધારાનો પ્રચાર કરવા માટે પૈસા એકત્રિત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ પથ્થલગડી આંદોલન પદ્ધતિ અપનાવી સ્થાનિક આદિવાસીઓને સરકાર વિરુદ્ધ ઉશ્કેરતા હતા.
(File Pic)
એટીએસના જણાવ્યા અનુસાર, મૂળ ઝારખંડના ખૂંટી જિલ્લાના મરહુ તાલુના બુટીગરા ગામના 28 વર્ષના બિરસા સૂઇલ ઔરેયા અને તેના 20 વર્ષના ભાઈ સામુ સૂઈલ ઔરૈયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને વ્યારામાં રહીને સતીપતિ સાંપ્રદાયના લોકોને ઉશ્કેરવા માટે વ્યારા આવ્યા હતા. લાંબા સમયથી તેઓ આવી પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનું એટીએસના ધ્યાન પર આવ્યું હતું. ત્યારબાદ દરોડા પાડી તેમની ધરપકડ કરવામાં આવી છે.
(File Pic)
શું છે પથ્થલગડી ચળવળ?
ઝડપાયેલા આ નક્સલીઓ પથ્થલગડી ચળવળ સાથે સંકળાયેલા છે. ઝારખંડના ખૂંટી જિલ્લાનાં ગામોમાં ચાર વર્ષ પહેલાં પથ્થલગડી ચળવળે વેગ પકડ્યો હતો. પથ્થલગડી શબ્દ કોઈ મૃત વ્યક્તિની સમાધિ પર પથ્થર મૂકવાના આદિવાસી રિવાજમાંથી આવ્યો છે. આ રિવાજને ધ્યાનમાં રાખી ઝારખંડમાં આદિવાસી સમુદાયો મોટા પથ્થરો પર સંદેશા રજૂ કરે કરે છે, જેને પથ્થલગડી તરીકે ઓળખાય છે. જોકે તેઓ તેમના ઉદ્દેશો માટે હિંસક અને ગેરકાયદે રીતે આ રિવાજનો ઉપયોગ કરી રહ્યા છે.