ગુજરાતમાં સતત બનતી ઘટનાઓ શ્રમિકો અને રાહદારીઓ પર અસર કરી રહી છે. માર્ગ અકસ્માતો, આગની ઘટનાઓ વગેરેને કારણે દરરોજ અનેક લોકો જીવ ગુમાવે છે. ત્યારે અમદાવાદમાં રાત્રે નિર્માણાધીન બિલ્ડીંગનું પ્લેટફોર્મ ધરાશાયી થતા ત્રણ કામદારોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
અહેવાલો અનુસાર, અમદાવાદના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન નામની સાઇટ પર કામ કરતા ત્રણ કામદારોના મોત થયા છે. રાત્રી દરમિયાન ઝવેરી ગ્રીન સાઈટ પર કામ ચાલી રહ્યું હતું ત્યારે 12 માળ પર કામ કરતા કામદારો નીચે પટકાયા હતા. પાલખ નીચે પટકાતા ત્રણ કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ત્રણેય કામદારોએ જીવ ગુમાવ્યો હતો.
એક રીતે જોઈએ તો ઝવેરી ગ્રીન સાઈટ પર બનેલી ઘટના આકસ્મિક લાગી રહી છે, પરંતુ ઘટનાને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. શું કામદારોને મોડી રાત્રે કામ કરવાની છૂટ હતી? બિલ્ડરો દ્વારા કામદારો માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી કે કેમ તેવા સવાલો ઉભા થયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા ત્રણેય કામદારો ઉત્તર પ્રદેશના હોવાનું પણ બહાર આવ્યું છે.