ખાનગી ફાઇનાન્સ કંપનીમાં કામ કરતી આધેડ મહિલાને બેંકની મોબાઈલ એપ્લિકેશન અપડેટ કરવામાં તકલીફ પડતાં તેમના ફોન પર અજાણ્યા નંબર પરથી લિંક આવી હતી. જેમાં તેમણે પોતાની બેંકની તમામ વિગતો નાખતાં તેમના એકાઉન્ટમાંથી કુલ 3.64 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. મોટી રકમની લેવડ-દેવડ ખૂબ જ થોડા સમયમાં થતાં બેંક તરફથી મહિલાને ફોન આવતાં તેમને છેતરપિંડી વિશે જાણ થઈ હતી. તેમણે આ વિશે સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રતાપનગર રોડ ખાતે આવેલી ગોકુળ સોસાયટીમાં રહેતાં રક્ષાબેન પંકજભાઈ શાહ (ઉ.વ.50) ખાનગી ફાઈનાન્સ કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ ફરજ બજાવે છે. તેઓ મંગળવારે એસબીઆઈની મોબાઈલ એપ્લિકેશન યોનો અપડેટ કરી રહ્યાં હતાં પણ તે અપડેટ થતી નહોતી. ત્યારબાદ તેમને અજાણ્યા નંબર પરથી એક એસએમએસ આવ્યો હતો કે, તેમનું એસબીઆઈ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું છે અને તેને અપડેટ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરવાનું રહેશે.
બેંક એકાઉન્ટ અપડેટ કરવા માટે તેમણે લિંક પર ક્લિક કરીને પોતાની બેંકની માહિતી નાખી હતી. જે બાદ તેમના ફોન પર ઓટીપી આવ્યો હતો. જે ઓટીપી એન્ટર કરતાં જ તેમના એકાઉન્ટમાંથી 25 હજાર કપાઈ ગયા હતા. આવી જ રીતે તેમણે 3 વાર આ જ પ્રક્રિયા અનુસરી હતી, જેના કારણે તેમના બેંક એકાઉન્ટમાંથી 1.64 લાખ, 5 હજાર અને 1.64 લાખ મળી કુલ 3.64 લાખ કપાઈ ગયા હતા. ખૂબ જ ટૂંકા સમયમાં મોટી રકમની લેવડ-દેવડ થતાં જયપુર ખાતેથી એસબીઆઈમાંથી રક્ષાબેનને ફોન આવ્યો હતો અને અધિકારીએ લેવડ-દેવડ વિશે જણાવતાં તેમણે છેતરપિંડી વિશે જાણ થઈ હતી. જેથી રક્ષાબહેને અજાણ્યા શખ્સ સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.