ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરત જાણે કોરોનાનુ એપી સેન્ટર બની રહ્યું હોય તેમ દિવસેને દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં 24 કલાકમાં વધુ 268 પોઝિટિવ કેસ નોંધાયા છે.
17 જુલાઈ સાંજથી 18 જુલાઈ સાંજ સુધીમાં સુરતમાં 268 કેસ નોંધાતાની સાથે કુલ કેસની સંખ્યા વધીને 9409 થઈ ગઈ છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 337 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધી 6417 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જ્યારે સુરતમાં 24 કલાકમાં 10 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધી સુરતમાં 252 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. તો હાલ સુરત જિલ્લામાં 2740 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમને હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, સુરતમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધતા પોઝિટિવ કેસનો આંકડો પણ 10 હજારની નજીક પહોંચવા આવ્યો છે. જેને લઈ તંત્રની પણ ઉંઘ ઉડી ગઈ છે.