દેશના કેટલાંક રાજ્યોમાં કોરોના મહામારી વચ્ચે પણ સરકારની ગાઈડલાઈન અનુસાર ઉચ્ચતર વર્ગોની શાળાઓ શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ ખોલવામાં આવી શકે છે. આ વચ્ચે જ વાલીઓ તથા શિક્ષકોને વિચારતા કરી દે તેવા એક અહેવાલમાં આંધ્રપ્રદેશમાં શાળા ખૂલ્યાના 3 જ દિવસમાં 262 વિદ્યાર્થી તથા 160 શિક્ષકો કોરોના સંક્રમણનો શિકાર થઈ ગયા છે.
આંધ્રપ્રદેશમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે બીજી નવેમ્બરના રોજ સ્કૂલ પુનઃ ખોલવામાં આવી છે, તેના ત્રણ દિવસ બાદ લગભગ 262 વિદ્યાર્થીઓ અને 160 શિક્ષકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. આંધ્રપ્રદેશ સ્કૂલ એજ્યુકેશન કમિશનર વી.ચિન્ના વીરભદ્રએ ગુરુવારે આ માહિતી આપી છે.
જોકે, તેમણે કહ્યું કે સ્કૂલ આવતા વિદ્યાર્થીઓની સંખ્યાની તુલનામાં ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓનો આંક ચિંતાજનક નથી. તેમણે એમ પણ કહ્યું કે પ્રત્યેક સંસ્થામાં જોકે કોવિડ-19 સુરક્ષા માપદંડોનું પાલન સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે