રાજયના ખેડૂતોને દિવસે જ વીજળી મળે તે માટે રાજય સરકાર કિસાન સર્વોદય યોજના જાહેર કરી છે. આ અંગેની જાહેરાત ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેમણે ખેડૂતલક્ષી જાહેરાત કરતા જણાવ્યુ હતું કે, કિસાન સર્વોદય યોજના હેઠળ હવે ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આ મહત્વકાંક્ષી યોજનાનો પ્રારંભ વડાપ્રધાન મોદી 24 ઓક્ટોબરે વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી કરાવશે. આ યોજનાના પ્રારંભીક તબક્કે જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના 1055 ગામનો સમાવેશ કરી વિજળી અપાશે. જેમાં જૂનાગઢ જિલ્લાના 220 ગામ, ગીર સોમનાથ જિલ્લાના 143 ગામ અને દાહોદ જિલ્લાના 692 ગામમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે.
જોકે આગામી અઢી વર્ષમાં ખેતી માટેના વીજ કનેક્શન ધરાવતા રાજ્યના 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે. ઊર્જામંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં હાલ 153 ગ્રુપ છે તેમાં અડધા ગ્રુપને દિવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સવારે 5 વાગ્યાથી રાત્રીના 9 કલાક દરમિયાન વીજળી આપવાનો નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે, આ યોજના પાછળ કુલ 3500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. હાલ રાજ્યના ખેડૂતોને 6000 હજારથી 6500 મેગા વોટ વીજળી મળે છે, જે હવે 11000 મેગા વીજળી મળતી થશે.