નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે મંગળવારે દેશની રાજધાની દિલ્હીમાં ખુબ ઉત્પાત મચાવ્યો અને હિંસા આચરી હતી. ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને તેની પ્રાચીર પર પોતાનો ધાર્મિક ઝંડો ફરકાવી દીધો.
આ દરમિયાન પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. ખેડૂતોની ટ્રેક્ટર રેલી હિંસક બની જતા સ્થિતિ વણસી હતી. આ હિંસામાં 85થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેને પગલે હવે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં આ હિંસા મામલે 22 એફઆઈઆર દાખલ થઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતોએ કાઢેલી ટ્રેક્ટર રેલી દરમિયાન અનેક ઠેકાણે હિંસા થઈ. આ હિંસા મામલે અત્યાર સુધીમાં કુલ 22 જેટલી FIR દાખલ થઈ છે. મંગળવારે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસા કરનારાઓને કાયદાના દાયરામાં લાવવામાં આવશે અને કડક કાર્યવાહી થશે. આ હિંસક ઘટના બાદ દિલ્હીમાં પેરા મિલેટ્રી ફોર્સની હવે 15 વધારાની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.