નવા વર્ષના ત્રીજા દિવસે રાજ્યમાં બે મોટી કરુણ દુર્ઘટના સામે આવી છે. જેમાં બે અકસ્માતમાં 15 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ બે દુખદ ઘટનાઓ પૈકીની એક ઘટનામાં પાવાગઢ દર્શનાર્થે જઈ રહેલા મુસાફરોને મોટો અકસ્માત નડ્યો હતો.
વડોદરાની વાઘોડિયા ચોકડા પાસે આઈસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 યાત્રીઓના મોત નિપજ્યા છે. તો સાથે જ 16 જેટલા યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે.
આ બનાવના પગલે રસ્તા પર યાત્રિકોના મોતની ચિચિયારીઓ ગુંજવા લાગી હતી. મહત્વનું છે કે, સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહીર પરિવાર નવા વર્ષની રજામાં ટેમ્પોમાં સવાર થઈ પાવાગઢ ખાતે મા કાળીના દર્શને જવા નીકળ્યો હતો. જેને આ અકસ્માત નડ્યો હતો.
બીજી ઘટનામાં સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કોઠારીયા રોડ પર સર્જાયો હતો. સુરેન્દ્રનગરના લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત થતા એક જ પરિવારનાં 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
આ અકસ્માતમાં માતા, પુત્ર, પુત્રવધૂ, અને તેમની પુત્રીનું મોત નીપજ્યું છે. જ્યારે કાર ચલાવી રહેલા પૌત્રને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યો છે.