આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરુવારે સવારે કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીક થયો હતો. દુર્ઘટના સવારે 3 થી 3.30 વાગ્યા વચ્ચે એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટમાં સર્જાઈ હતી. સવારે લગભગ 5.30 વાગ્યે ન્યૂટ્રિલાઈજર્સના ઉપયોગ બાદ સ્થિતિ કાબૂમાં લેવાઈ હતી. ત્યાં સુધી ગેસ 4 કિમીની અંદર આવતા પાંચ નાના ગામમાં ફેલાઈ ગયો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધી 2 બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. NDRF,SDRFના ડીજી એસએન પ્રધાને કહ્યું કે, હવે સ્થિતિ નિયંત્રણમાં છે. હવે પ્રયાસ કરવામાં આવે છે કે ગેસ વધુ લીક ન થાય.
આ દુર્ઘટના વિશાખાપટ્ટનમથી લગભગ 30 કિમી વેંકટપુરમ ગામમાં સર્જાઈ હતી. એક હજાર કરતા વધારે લોકો બિમાર છે. 300 લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવા પડ્યા છે. 25 લોકો વેન્ટીલેટર પર છે. 15 બાળકોની સ્થિતિ નાજૂક છે.
સીએમ જગન મોહન રેડ્ડીએ કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ પીડિતોને મળ્યા. આ દરમિયાન તેમણે વળતરની જાહેરાત કરી. અકસ્માતને કારણે લોકોના જીવ ગુમાવવા પર એક કરોડ રૂપિયા વળતર આપવામાં આવશે. આ સાથે પીડિતોને દરેકને 10 લાખ રૂપિયા અને જેમને રજા આપવામાં આવી છે તેમને એક લાખ રૂપિયાની સહાય મળશે. તેમજ 5 સભ્યોની સમિતિ આ સમગ્ર મામલાની તપાસ કરશે.
કલાકોની મહેનત બાદ લીકેજ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આ સાથે ફેક્ટરીની આજુબાજુમાંથી 3 હજાર લોકોને બચાવવામાં આવ્યા છે. 300 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાં મોટાભાગે બાળકો અને વૃદ્ધો છે. આ સાથે જ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.