ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાએ હવે રફ્તાર પકડી હોય તેમ લાગી રહ્યું છે. 26 જુલાઈ સાંજથી 27 જુલાઈ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1052 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 56874 થઈ ગઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1015 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

જ્યારે 24 કલાકમાં વધુ 22 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2348 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 41380 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે.
સુરતમાં 24 કલાકમાં 258 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 184, વડોદરામાં 96 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 74, ગાંધીનગરમાં 34, ભાવનગરમાં 33 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 13146 એક્ટિવ કેસ છે. જેમાં 81 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 13065 સ્ટેબલ છે.