આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વધુ એક વખત મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. વિશાખાપટ્ટનમના હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં એક વિશાળ ક્રેન પડતા કુલ 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક શ્રમિક હજી ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યુ છે.
મળતી માહિતી મુજબ, વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ખાતે ક્રેનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન ઓફિસર અને ક્રેનના ઓપરેટર્સ તેનું ઓપરેટિંગ જોવા ગયા હતા. તે સમયે જ અચાનક ક્રેન તુટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના અંગે માહિતી આપતાં ડીસીપી સુરેશ બાબુએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનના શિપયાર્ડમાં ક્રેન તૂટી પડવાને કારણે આ અકસ્માત થયો હતો. ઘટના સમયે 8 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ત્યારબાદ આ મૃત્યુઆંક વધીને 10 થયો હતો.
https://twitter.com/schintan19882/status/1289497803123617792?s=20
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક મોટી ક્રેન પડતી જોવા મળી રહી છે. ક્રેન પડતાની સાથે જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બીજીબાજુ આ ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનરને ક્રેન દુર્ઘટનાની ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવા અને તપાસ કરવા આદેશ આપ્યા છે. સાથે જ તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.