કોરોનાએ જીવનનાં તમામ સમીકરણો બદલી નાખ્યાં છે. કોરોનાને કારણે આજે લોકો ચિંતામાં છે કે હવે આગળ જિંદગી કઇ રીતે ચાલશે. આજની આ સૌથી મોટી ચિંતા છે જે અન્ય તમામ ચિંતા પર હાવી થઇ ગઇ છે. આજકાલ માતા-પિતા અને વાલીઓને સૌથી વધુ ચિંતા એ છે કે તેમના સંતાનોના શિક્ષણનું શું થશે? તેઓ કયારે પોતાના સંતાનોનેે શાળા-કોલેજોમાં મોકલી શકશે.
આ બધાની વચ્ચે સુરત શહેરમાં કોરોનાની જે રીતે રફતાર વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં સમાવિષ્ટ 400 સ્કુલોમાં બુધવારથી એક અઠવાડિયા માટે સ્કુલો સંપૂર્ણ બંધ કરીને તેમજ ઓનલાઇન શિક્ષણ પણ બંધ કરી સરકારને મેસેજ અપાશે.
સુરત શહેરમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ કેસો વચ્ચે સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય તો બંધ છે. પરંતુ સ્કુલો ચાલુ રખાઇ છે. અને શિક્ષકો આવીને ઓનલાઇન કે સ્ટડી મટીરીયલ્સ આપીને ભણાવી રહ્યા છે. પરંતુ જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે. તેને જોઇને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આજે એક મહત્વનો નિર્ણય લીધો હતો.
મંડળના પ્રમુખ સવજી હુણના જણાવ્યા મુજબ સુરતમાં કોરોના સંક્રમણની સ્થિતિ ભયજનક લેવલે છે. આ પરિસ્થિતિમાં શાળાના કર્મચારી ઓનડયુટી સંક્રમણનો ભોગ બનવાની શકયતા રહેલી છે. આથી હાલની પરિસ્થિતિ જોતા સ્વનિર્ભર શાળાઓમાં તમામ વહીવટી કર્મચારીઓ તથા ઓનલાઇન એજયુકેશન સાથે જોડાયેલા શિક્ષકોને આગામી તા.8 થી તા.14 જુલાઇ એક સપ્તાહ સુધી વહીવટી ઓફિસ કાર્ય તથા ઓનલાઇન એજયુકેશન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.