આગામી 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આમ તો વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવતી હોય છે. તેમાં આસો માસની અને ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ઘટસ્થાપન કરાતું હોય છે. એટલુ જ નહીં ચૈત્રી નવરાત્રીમાં માં અંબાના ચાચરચોકમાં માતાના નામની અખંડ ધૂન નવે નવ રાત-દિવસ ઉભા પગે અંબેની અખંડ ધૂન કરવામાં આવતી હોય છે. જોકે, આ વખતે અખંડ ધૂન કોરોના મહામારીને લઈને મુલતવી રાખવામાં આવી છે. અખંડ ધૂન મંડળના પ્રતિનિધિઓની ટીમે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટી વિભાગને અખંડ ધૂન મોકૂફ રાખવા માટે પત્ર અર્પણ કર્યું હતું.
જોકે, આ અખંડ ધૂન માટે મંદિર ટ્રસ્ટે પરવાનગી આપી હોવા છતાં ગુજરાતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતા વધુ સંક્રમણ ન ફેલાય તે માટે આ વખતે અખંડ ધૂનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર શ્રદ્ધાળુઓ માટે સરકારની ગાઇડલાઇન પ્રમાણે ખુલ્લું રાખવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓને સરકારની ગાઇડલાઇન પ્રમાણે સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે દર્શને આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.