હોસ્પિટલમાં આગ લાગવાના અકસ્માત સર્જાય ત્યારે મોટી મુશ્કેલી સર્જાતી હોય છે. પરંતુ આવી નોબત આવે તે પહેલા જ જામનગરની જી.જી.સરકારી હોસ્પિટલમાં ફાયરની નવી સિસ્ટમો લગાડવામાં આવી છે. અદ્યતન ફાયર સેફ્ટી સિસ્ટમ પાછળ ખર્ચ કરી જી.જી. હોસ્પિટલ તંત્રએ અકસ્માત નિવારણ કરવા પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ તરીકે ઓળખાતી જામનગરની જી.જી. હોસ્પિટલ (આસપાસના જિલ્લાઓ માટે પણ વરદાન રૂપ સાબિત થતી રહી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડે છે. જી.જી. હોસ્પિટલમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં સારવાર અર્થે આવતાં હોય છે. આગ લાગવા જેવી આકસ્મિક ઘટનાઓ સમયે દર્દીઓની સલામતિ ખૂબ જ જરુરી બની જાય છે. જી.જી. હોસ્પિટલમાં રાખવામાં આવેલી ફાયર સેફટીના સાધનો સહિતની સામગ્રી અનેક વખત ચર્ચાનો વિષય બની છે. ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેઇટના હોવાનું પણ અનેક વખત સામે આવ્યું છે. ત્યારે હવે તંત્ર દ્વારા જી.જી. હોસ્પિટલમાં અતિઆધુનિક ફાયર સિસ્ટમ લગાડવામાં આવી છે. જેથી આગ લાગવા જેવી ઘટનાઓ સમયે તુરંત આગને કાબુમાં લઇ શકાય.